ANCIENT HISTORY OF GUJARAT

Posted: 14/01/2014 in Uncategorized

ગુજરાતનો પ્રાચીન યુગ
ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તે આધારિત કશી માહિતી પ્રાપ્‍ત નથી. ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં.ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.
ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમનપહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.
ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.
આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુ આન ચાંગવલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.
મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.
ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનોઆરંભ થયો. (ઈ. સ. 942).
મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર કે ગુજરાત તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણીઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી.ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે સિદ્ધહૈમ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.
સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી કરણ ઘેલો તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.

 

 

ગુજરાતનો મધ્‍યકાલીન યુગ

ગુજરાત દિલ્‍લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્‍લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્‍યું. દિલ્‍લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્‍યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્‍લીનું આધિપત્‍ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ સુલતાન તરીકે મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું. મુઝફ્ફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદ શાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્‍યો. અમદાવાદવસ્‍યું એટલે કર્ણાવતીના લોકો ત્‍યાં આવીને વસ્‍યા. પાટણની વસ્‍તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્‍યું. કાંકરિયા તળાવ અહમદ શાહના દીકરા કુતુબુદ્દીને બંધાવ્‍યું. ઈ. સ. 1442 માં અહમદ શાહ મરણ પામ્‍યો. અહમદ શાહનો પૌત્ર મહંમદ શાહ પહેલો ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્‍યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્‍યું. ત્‍યાં નદીના કાંઠે ભમ્‍મરિયો કૂવો અને ચાંદા – સૂરજનો મહેલ બંધાવ્‍યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્‍યાત સંત શાહઆલમની શુભેચ્‍છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડાનો દીકરો સુલતાન મુઝફ્ફર બીજો સંત સુલતાન હતો.
ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુર શાહ હતો. તેણે માળવા જીત્‍યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હૂમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુર શાહ હારીને દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મોત થયું. ત્‍યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્‍યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલ-વહેલી વેપારી કોઠી નાખી. મોગલસામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત , ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત ( ઈ. સ. 1664 અને 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ગુજરાતનો આધુનિક યુગ

ઈ. સ. 1857 માં અંગ્રેજ શાસન સામે શરુ થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણપડયા. ગુજરાતમાં નાંદોલ,દાહોદ,ગોધરા,રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા,પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્‍યાપક બની શકયો. નહીં.
ક્રાંતિ પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્‍યો. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજ પ્રસરાવ્‍યો. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરુ કરી.
ઈ. સ. 1885 માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નો કર્યા. પરંતુ સ્‍વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્‍યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વ્‍યાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરી કરીને સ્‍વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.
ગાંધીજીએ સૌપહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્‍થાપ્‍યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્‍લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલ-માલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમના બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્‍મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.
ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ – ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.
ગાંધીજીએ 1917 માં ભરુચનાં ગંગાબહેનને રેટિયો શોધી લાવવા સૂચવ્‍યું. વિજાપુર ગામમાંથી રેંટિયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્‍મ થયો.
ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ,બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્‍વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્‍વનો ફાળો આપ્‍યો હતો.
12 મી માર્ચ, 1930 ના રોજ સવારે 6.20 કલાકે દાંડીકૂચ સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરુ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6ઠ્ઠી એ‍પ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.
ગુજરાતે 1942 ના ‍‘હિંદ છોડો આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરદાર જેવા વીરલામાં જ હોઈ શકે.

વર્તમાન ગુજરાત

 

ગુજરાત રાજ્યની સ્થાપના 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે કરવામા આવી હતી. હાલ ગુજરાતની રાજ્ધાની ગાંધીનગર છે. સમગ્ર રાજ્યનેવહીવટી સરળતા માટે 25 જીલ્લાઓ, 226તાલુકાઓ, 18618 ગામો અને 242 શહેરો ત્થા શહેરી વિસ્તારોમા વહેચી શકાય.

 

ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર 1.96 લાખ ચોરસ કિ.મી. છેજે ભારતના વિસ્તારના 6.19% જેટલો છે.

ગુજરાતની વસ્તિ હાલમા લગભગ સાડા પાંચ કરોડ છે.

ગુજરાત ઉપરાંત ભારતમા મહારાષ્ટ્રઅને વિદેશમા અમેરીકાબ્રિટનઓસ્ટ્રેલીયાઅને આફ્રિકા સહિત લગભગ પચાસ લાખ ગુજરાતી ગુજરાત બહાર વસે છે.

ગુજરાત પાસે ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો છેજે લગભગ 1600 કિ.મી. છે.

ગુજરાતની પ્રજા સાહસિક હોયમુખ્યત્વે વ્યાપાર અર્થે વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલી છે.

ભારતભરમા ગુજરાતની વસ્તિ 5%, ભૌગોલિક ભાગ 6%હોવા છતાગુજરાતનો ફાળો રાષ્ટ્રીયરોકાણમા 16%, રાષ્ટ્રીય ખર્ચ મા 10%, એક્સ્પોર્ટમા 16% અને સ્ટોક માકેટના માર્કેટ કેપમા 30% નો છે.

ગુજરાતનો રાષ્ટ્રીય વિકાસદર છેલ્લા પાંચ વર્ષમા 12-13% છે જે રાષ્ટ્રીય વિકાસદર 9% થી વધુ છે.

ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ ગુજરાતમા આવેલ છે. હાલમા પીપાવાવ અને મુંદ્રા પોર્ટ ધમ-ધમે છે.

ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ [11] ગુજરાતમા છેઉપરાંત અમદાવાદમા આંતર- રાષ્ટ્રીય એરપોર્ટ આવેલ છે.

વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી જામનગર જીલ્લામા કાર્યરત .

 

– THE SIKANDAR

Leave a comment